શું મોરારીબાપુ એ નીલકંઠ માટે જે કહ્યું તે તેમના પદ અને પ્રતિષ્ઠાને છાજે એવું છે ?

ગુજરાતના પ્રસિદ્ધ લોકલાડીલા અનેક ફિલ્મો અને સાહીત્યનો તલસ્પર્શી અભ્યાસ કરનારા (અને ફિલ્મ મેકીંગ સાથે સંકળાયેલો હોવાથી જેમના ફિલ્મ વિવેચનની હું પણ આતુરતા પુર્વક રાહ જોતો હોવ છું અને એ ફિલ્મ જગતસાથે સંકળાયેલ ન હોવા છતાં એમનાં ફિલ્મો વિષેના જ્ઞાનને સલામ કરૂ છું એવા) આપણાં લેખક શ્રી Jay Vasavada જયભાઈ વસાવડાએ ચંદ્રયાનના ભારતજ્ઞાન આપતાં કહ્યુ તે ખરેખર વિચારવા જેવું છે કે ધર્મ, જાતપાત (જો આ નાબૂદ થાય તો આરક્ષણનો પ્રશ્ન પણ આપમેળે નાબૂદ થઈ જાય), પંથના વાડામાં વટની વાયડાઈ કરતાં માણસ વિનાની ધરતી કેવી સરસ લાગે.

બહુ સાચી વાત છે. શિવજી જ નિલકંઠ, શિવજીનો જ અભિષેક થાય, ઝેર પીવે એ જ નિલકંઠ એવા વટની વાયડાઈ શા માટે? શું કોઈ સ્વામિનારાયણના આશ્રિતને આજ સુધી ક્યારેય એવું કહેતા સાંભળ્યાં કે ભગવાન સ્વામિનારાયણ જ નિલકંઠ? એમનો જ અભિષેક થાય? અરે ભગવાન સ્વામિનારાયણે તો ખુદ શિક્ષાપત્રી (જેના માટે સરદાર વલ્લભભાઈ પટેલ ખુદ એવું માનતા અને બોલતાં કે જો દરેક વ્યક્તિ માત્ર આ શિક્ષાપત્રીનું પાલન કરે તો ક્યાંય પોલીસ-પ્રસાશનની જરૂર જ ન રહે એ ગ્રંથમાં કેવી અદ્ ભૂત અને અનુભવી અને પ્રેક્ટિકલ વાતો હશે એ જ ગ્રંથ) માં એમનાં તમામ આશ્રિતોને જે પાંચ ‘દેવ’ ને પુજ્યપણે માનવાનું કહ્યું છે (વિષ્ણું, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય) એ પાંચમાંથી 3 (60 %) તો શિવજીનો જ સમગ્ર પરિવાર છે. ઘણાં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત (મોટાભાગે બ્રામ્હણો)તો શિવજીના મંદીરે ક્યારેક ગયાં હોય તો ત્યાં પણ અભિષેક પણ કરે છે. અને ક્યારેય કોઈ ભગવાન, દેવ, દેવી દેવતા વિષે, એમનું ખંડન થાય એવું બોલતાં તો શું વિચારતા પણ નથી. હાં પોતાના ભગવાનનું ગૌરવ અને અસ્મિતા (વટ, વાયડાઈ, ગર્વ કે દંભી સ્વાભિમાન નહી ) જરૂર છે અને એ હોય એ પણ સ્વાભાવિક છે. કોઈ સ્ત્રીનો પતિ કોર્પોરેટર હોય તો એનો વટ કેવો હોય છે? કોઈ બાળકની માતા મેયર હોય, MLA, MP હોય તો એને એનું કેટલું વજન હોય છે? કોઈનો જીવનસાથી કલેક્ટર, એસ.પી., ન્યાયાધીશ, મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ હોય તો? એનું વજન એનો વટ એનો ગર્વ હોય એ સ્વાભાવિક નથી? તો આ તો પુર્ણ પુરૂષોત્તમ નારાયણ, સર્વોપરી ભગવાન જેમને માનતા હો તેમના આશ્રિત હોવાનો કેવો અહેસાસ હોય? વૃક્ષ ઉંચા થાય એમ વધું નમે એ જ રીતે સર્વોપરીના આશ્રિતોને ગર્વ કરતાં ગૌરવ હોય, સ્વાભિમાનના વટ કરતાં અસ્મિતાનો અહેસાસ હોય વટની વાયડાઈ કરતાં પ્રાપ્તિનો કેફ હોય. અભિમાનના અહંકાર કરતાં અહંશૂન્યતાની અનૂભુતિ હોય.

ખેર, એ સંપ્રદાયે ક્યારેય કોઈની ટીકા, નિંદા, કુથલી કરતાં શિખવાડ્યું જ નથી, સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં ત્યાં સુધી કહ્યું છે જેનું એમના તમામ આશ્રિત સંતો ભક્તો આજે પણ પાલન કરે છે કે જો તમને કોઈ ગાળ દે અથવા મારે તો પણ તેનું હીત થાય એવું જ કરવું પણ કોઈનું અહીત થાય એવો સંકલ્પ પણ ન કરવો.
જેમને હું મારા માતા-પિતા-ભાઈ-બહેન-પરમ મિત્ર-પરમ ગુરુ અને સર્વસ્વ ગણું છું, અને કદાચ જેમનો આશ્રિત છું એવા ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ વધારે મહત્વના ગણું છું (ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દીયો બતાય = ભગવાનની ઓળખ જેમણે કરાવી એ ગુરુ હંમેશા પ્રથમ પુજ્ય હોય છે.) એવા પ્રમુખસ્વામી મહારાજને એક પત્રકારે પુછેલું કે તમારું કોઈએ અપમાન કર્યું હોય એમના વિષે કે કોઈ વિષે ક્યારેય કોઈ ગુસ્સો કે વિચાર આવ્યો છે? ત્યારે એમણે કહેલું કે ક્યારેય નહી. ‘ “કોઈ”નું “અહીત” કરવાનો ક્યારેય વિચાર જ ન આવ્યો હોય ‘ શું એવો એક પણ માણસ આ પૃથ્વી પર હોય એવું શક્ય છે? પણ પ્રમુખસ્વામી મહારાજ એવા હતાં. આપણી બારીના કાચમાં ક્રીકેટ રમતાં કોઈનો દડો પણ વાગી જાય તો આપણે ઉધમ મચાવી દેતા હોય છે, પ્રમુખસ્વામી મહારાજના જીવનની સૌથી સુંદર રચના સમાન અક્ષરધામ જેને દેશ વિદેશના કરોડો મનુષ્યો મહાનુભાવો વખાણી ચુક્યા છે એના પર આતંકવાદી હુમલો કરનાર બે આતંકવાદીના પણ હીતની, એના મૃતદેહો પર પુષ્પ છાંટી એમનાં પણ કલ્યાણની પ્રાર્થના કરે, પ્રાર્થના સભામાં પણ સૌનું કરો કલ્યાણની ભાવના વ્યક્ત કરે અને મુસ્લમાનો પર હુમલાની રાહ જોઈને બેઠેલા કટ્ટર હીંદુવાદી સંગઠનનોને કે રાજકીય રોટલા શેકવા કોમી રમખાણો કરાવા મથતાં મોટા માથાઓને પોતાના વર્તનથી શાંત રાખીને ગુજરાતને ભડકે બળતું અટકાવી શકે એ પુરુષની સર્વધર્મસમભાવ અને સર્વના હીતની કેવી ચરમસીમા હશે ! એક બાળકને એના મા-બાપ વિષે કોઈ ગમેતેમ બોલી જાય ત્યારે લોહી ઉકળી આવે તેમ ગુરુ વિષે કોઈ બોલે, ત્યારે સ્વાભાવિક એમના આશ્રિતોનો, એમના બાળક સમાન સૌનો ગુસ્સો સાતમે આસમાને હોય અને જવાબ આપવા માટે તલ પાપડ હોય પણ પ્રમુખસ્વામી મહારાજને મો પર ગાળો આપી જનાર, એમના વિષે તદ્ ન વાહીયાત અને આધારહીન પત્રિકાઓ છપાવનાર, એમના વિષે છેલ્લામાં છેલ્લી કક્ષાનું બોલનાર, એમના જીવતાજીવ જ એમના ફોટાને ઠાઠડીમાં મુકીને એનો અગ્નિસંસ્કાર કરનાર તમામ માટે એમણે હંમેશા પોતે એમનું સારુ થાય એવું તો વિચાર્યું જ છે પણ એમના કોઈ સંતો-ભક્તો અજાણતા પણ એમને જવાબ આપી એમનું અહીત ન કરે કે ન વિચારે અને એમના ભલા માટે પ્રાર્થના કરે એ ચુસ્તપણે પાક્કુ કર્યુ છે અને એવું જ શિખવાડ્યું છે. ટપાલ નાખવાં આવતાં ટપાલીને આપણાં માંથી કેટલા લોકો સાહેબ કહેતા હશે? એવાં વ્યક્તિને પણ ટપાલી સાહેબ કહીને બોલાવતાં યોગીજી મહારાજ પણ હંમેશા કહેતા કે આપણે કોઈની લીટી ટુંકી ન કરવી, આપણે આપણી લીટી મોટી કરવી.

જે સ્વામિનારાયણ ભગવાને સર્વનું ભલું ઈચ્છવાની વાત કરી એ જ સ્વામિનારાયણ ભગવાને પોતાની જ પરાવાણી સમાન ગ્રંથ વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે કોઈ પોતાના ઈષ્ટદેવ કે ગુરુનું ઘસાતું બોલે, ખંડન કરે તો તેને તિખા બાણ જેવા વચન મારવાં પણ ત્યાં નિર્માની ન થવું. કેટલી સ્વાભાવિક, સાહજીક, સાચી અને વિચારશીલ બાબત છે. કોઈના ઈષ્ટદેવ કે કોઈ દેવનુંતો શું કોઈનું ય (તમને ગાળ દે કે મારે તો એનું પણ) અહીત ન ઈચ્છવું અને પોતાના ઈષ્ટદેવનું ખંડન થાય એવું બોલે તો તિખા બાણ જેવું વચન મારવું. એક બાળક પણ સમજી શકે કે એના મા-બાપ લુલા લંગડા આંધળા બેરા ચોરૂ ચક્કા ગમે તેવા હોય, અરે એક ગણિકાના બાળકને પણ એની મા વિષે બોલે ત્યારે કેટલો ગુસ્સો આવતો હોય છે. તો જેનો બાપ કોઈ ખુબ જ ઉંચા હોદ્દા પર હોય એના વિષે કોઈ બોલે ત્યારે એની માનસિક દશા શું થાય?
જયભાઈની બીજી પણ ખૂબ જ સરસ વાત છે કે તમે કોઈ વિષે એમ જ અભિપ્રાય આપી દો એ પહેલા એના વિષે જાણો તો ખરા. નક્કી જ કરીલો કે તમે સ્વામિનારાયણના વિરોધી છો અને રહેવાના છો પણ એ વિરોધ કરવા માટે પણ પેલા અહીં મંદીરે આવો, સભામાં આવો, ચોરીની ભાવનાથી જ આવો કે મારે આ સ્વામિનારાયણીયાઓનું બધું જ જ્ઞાન ચોરી જવું છે, એમની ઉપાસના, માન્યતા, સિદ્ધાંત ઉંડાણપુર્વક જાણીને એનો અભ્યાસ કરીને એમનો જ વિરોધ કરવો છે એ ભાવનાથી આવો. અરે એક ગુનેગાર સામે નિર્દોષ માણસને છોડાવવા દલીલ કરતા પહેલા એનો વકીલ પણ ગુનેગારનો કેટલો અભ્યાસ કરતો હોય છે. કોઈ દેશમાં જતાં પહેલા, એના વિષે બોલતા પહેલા એના કાયદા કાનુનનો પણ આપણે કેટલો અભ્યાસ કરીએ છીએ. અરે આપણાં ઈતિહાસમાં તો ત્યાં સુધીના દાખલાં છે કે બુદ્ધ ધર્મનો વિરોધ કરવા એક પંથના એક સાધકે બુદ્ધના સાધુ તરીકે દીક્ષા લઈ લીધી. ચલો કદાચ એટલું ના થાય પણ એ સિવાય ઉંડા ઉતરીને એ ભગવાનના સૌથી અદ્ ભૂત ગ્રંથ વચનામૃત, શિક્ષાપત્રી અને એમના અનુયાયીઓ એ આપેલ વચનો અને જીવન ચરિત્રોનો, એમના વિષે અબ્દુલ કલામ સાહેબે લખેલા પુસ્તકનો તો અભ્યાસ થાય ? સ્વામિનારાયણના અનુયાયીઓ આમ શુંકામ કરે છે અને આમ શુંકામ માને છે એનો જવાબ શોધવા માટે એમનો જ કાયમી સંપર્ક કેમ ન થાય? તમારા પ્રશ્નનું સમાધાન અને પરમ સત્ય બન્ને સાહજીક જ જાણવા મળશે. અને એ જાણી લીધાં પછી વિચારો કે ખરેખર શું સાચું છે અને શું ખોટું?

મોરારી બાપુની નજીક રહ્યાં વગર, એમને જાણ્યાં વગર એમના વિષે કાંઈ કહેવું અયોગ્ય છે એટલું જ અયોગ્ય છે સ્વામિનારાયણ ભગવાન અને એ ધર્મ વિષે જાણ્યાં વગર, એમના નીલકંઠવર્ણીના સ્વરૂપ વિષે કાંઈ કહેવું. અને એ પ્રયત્ન ખૂદ મોરારી બાપુએ કર્યો છે. વિરોધ માત્ર એનો છે. નહી કે મોરારી બાપુનો. સમાજમાં નાખી દેવા જેવી બાબતોમાં વિરોધના ઝંડા લઈને ઉતરી પડે અને સમાજને નુક્શાન પહોચાડે, જાત-પાતમાં વહેચીને પોતાના વ્યક્તિગત લાભ માટે આખી જ્ઞાતિને અખાડામાં ઉતારી બદનામ કરે એના કરતા તો રામકથા કરી અનેક ને ભગવાન રામના જીવન વિષે માહીતગાર કરે એ વાત સો ટકા ગર્વ લેવા જેવી જ છે. એટલું જ નહી, એમણે કરેલા સામાજીક કાર્યો, એમણે કરેલા એક આમ માણસની પરવા અને એમણે પ્રોત્સાહીત કરેલા સાહીત્યકારોના સર્જન સો ટકા સલામ કરવા લાયક છે. પણ જ્યારે તમે હીંદુ-મુસ્લિમના ભેદ ભુલાવા માટે પ્રયત્ન કરી શકતા હો તો રામ-શંકર અને સ્વામિનારાયણના અનુયાયીઓ અંદરોઅંદર લડે એવો પ્રયત્ન શા માટે કરો છો? મંદીરને શૌચાલય સાથે સરખાવાની વાત તો અબૂધ બાળક પણ ના કરે. બોલતાં લખતા વાંચતા કશું જ ન શિખ્યો હોય એવા બાળકને પણ શૌચાલય આગળ લઈ જાવ એટલે મો બગાડે અને કોઈ પણ ભગવાનનો ફોટો દેખાડો એટલે જે જે કરે એટલું વિવેકભાન એને પણ હોય છે. કોઈ સમર્થ વ્યક્તિની પત્ની એને કાંઈ ગીફ્ટ આપવાનું કહે તો એ એવું જ વિચારશે ને કે મારી હેસીંયત અને લાયકાત ન હોય તો પણ બની શકે એટલી સર્વશ્રેષ્ઠ ગીફ્ટ આપુ જેથી કરીને એ પ્રસન્ન થાય કે એવું કે શે કે આ ગિફ્ટ કરતાં ચાલને આપણે એક સંડાશ બાંધી આપીએ? જેણે આપણને સર્વસ્વ આપ્યું એમના માટે શું ન થઈ શકે એવા ભાવથી મંદીરો બનાવતી આ સંસ્થા શૌચાલય તો શું આખા ને આખા એવોર્ડ વિજેતા ગામના નિર્માણ કર્યા છે. ભૂજના ભૂકંપ વખતે રાહતકામ માટે અપાયેલા પેકેટ્સમાં ખોરાક-કપડાની સાથે નેઈલ કટર, દાંતિયોને વાળ જોઈને વિશ્વના શ્રેષ્ઠ ડીઝાસ્ટર મેનેજમેન્ટના પ્રણેતા ઈઝરાયલના વડા પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. પ્રમુખસ્વામી મહારાજને ખબર પડી કે પાણીની અછત છે લોકો નાહ્યાં નહી હોય તો માથામાં તેલ નાખીને દાંતિયો ફેરવશે તો એમને રાહત મળશે, એમનાં નખ વધી ગયાં હશે આટલી ચિંતાનો વિચાર તો ભાગ્યે કોઈને આવે. આ એ લોકોની ચિંતા હતી જે લોકોમાં કદાચ કોઈ રામ-શંકર-સ્વામિનારાયણ કોના આશ્રિત હોય કોઈને નહોતી ખબર બસ એટલી ખબર હતી કે એ માણસ છે. શાળા કોલેજ હોસ્પિટલની કામગીરી અને ક્વોલીટી જુઓ, અરે સંસ્થાએ બનાવેલી ગૌશાળાના પાડા પણ રાષ્ટ્રીય એવોર્ડ લઈ આવે એ બધુ દર્શાવે છે કે સંસ્થા આ તમામ કાર્ય દેખાડો કરવા કે કરવા ખાતર નહી, પણ જે કરે તે શ્રેષ્ઠ કરે, દરેકને ફાયદો થાય એવું કરે એવા જ કામમાં માને છે. ત્યારે એના મંદીરને બદલે શૌચાલયનું નિર્મામ કરવાનો વિચાર આપી ધર્મસ્થાનને અપમાનિત કરવું એ યોગ્ય છે? સ્વામિનારાયણ સંપ્રદાય વિષે આવા તો અનેક વિધાનો રામાયણની ચોપાઈઓની વચ્ચે એ જ વ્યાસપીટ પરથી બોલાયા છે જેના વીડીયો એમની જ સંગીતની દુનિયાની ચેનલ પર આજે પણ છે. પણ એ ભૂલી જઈને પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન કરવાં સંતો ભક્તો એમને આવકારી શકે અને એ ત્યાં પોતિકું માનીને આવી શકે અને શ્રદ્ધાંજલી આપી શકે એ વાત બંન્ને પક્ષની વિશાળ ભાવના દર્શાવે છે. એ પછી પણ અબ્દુલ કલામ સાહેબે જેમને પોતાના વિઝન 2020 નું સ્વપ્ન સાકાર કરવાના 500 બુદ્ધીશાળી વ્યક્તિઓમાંના એક ગણેલા એવા સંતો, સદ્ ગુરુ સંત જેવા સંતો એમની રામકથામાં જઈ શકે, એ એમને આવકારી શકે અને ત્યાં જઈને સ્વામિનારાયણ ભગવાન પહેલા રામભગવાનની જય બોલાવે અને મોરારી બાપુના જીવન અને કાર્યને હદયથી બિરદાવે એ કેટલી મોટી વાત કહેવાય. છતાં આ સંસ્થાએ એવો તો શું અપરાધ કરી દીધો કે તમે વારે તહેવારે એની ટીકા-નિંદામાંથી બહાર જ ન આવી શકો?
નિલકંઠ શબ્દનો વિવાદ પુરતો ન હોય તેમ હાલની જ જામનગર ખાતેની રામકથામાં નવું સ્ટેટમેન્ટ આવ્યું કે રામ-શંકર ને દ્રારપાળ બનાવી દીધા છે, એમની મુર્તિ સાઈડમાં રાખી દીધી છે. આ બહુ સ્વાભાવિક વાત છે. રામકથામાં હનુમાન મધ્ય સ્થાને હોય છે, ત્યાં તો રામ-લક્ષ્મણ કે સીતાજીની મુર્તિપણ હોતી નથી તો શંકરજીની મુર્તિ ન હોય, કૃષ્ણની મુર્તિ ન હોય, લક્ષ્મીનારાયણ, નરનારાયણ, સાંઈબાબા-જલારામ બાપા અને સ્વામિનારાયણની મુર્તિ તો ન જ હોય એ વાત તદ્ ન સાહજીક છે. એટલી જ સાહજીક વાત છે કે કૃષ્ણના મંદીરમાં રામની મુર્તિ ન હોય, રામના મંદીરમાં સાંઈબાબાની મુર્તિ ન હોય. તેમ સ્વામિનારાયણ મંદીરમાં મુખ્ય સ્થાને સ્વામિનારાયણની જ મુર્તિ હોય. અને છતાં આ ધર્મની વિશાળતા જુઓ કે ત્યાં રાધા-કૃષ્ણની પણ મુર્તિ હોય, રામ-સીતા-હનુમાન અને શિવ-પાર્વતી-ગણપતિની પણ મુર્તિ હોય. સ્વામિનારાયણના આશ્રિત નાના બાળકને પણ ખબર હોય કે રામ-સીતાના પરમ ભક્ત હનુમાન છે, શંકર-પાર્વતીના પુત્ર ગણપતી છે, કૃષ્ણના પરમ ભક્ત રાધા છે, રામકથામાં આવનાર કેટલા જણાને ખબર છે કે સ્વામિનારાયણ ભગવાનનું બાળ સ્વરૂપ ઘનશ્યામ અને કીશોર સ્વરૂપ નિલકંઠ છે?

Fake Feminism ની અને સ્ત્રી દાક્ષીણ્યની મીઠી મીઠી વાતો કરી લોકચાહના મેળવીચુકેલા લેખકો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી સંબંધી નિયમની ટીકા કરતા પહેલા કેમ એ અભ્યાસ નથી કરતા કે અંગ્રેજોથી આઝાદ થયેલા ભારતના આ ગુજરાત રાજ્યમાં સ્ત્રીને ભણવા દેવા તો શું સતી પ્રથા અને દૂધપીતી કરવાના રીવાજથી નાશ કરવા મથેલા માણસોને સમજાવી એ બદીઓમાંથી મુક્ત કરાવી, સ્ત્રીને પણ ભણાવી શકાય એવું સૌ પ્રથમ સમજાવનારા ભગવાન સ્વામિનારાયણ હતાં કે જેમના પ્રયત્નોને કારણે આ રાજ્યની પ્રથમ શિક્ષીકા એ સ્વામિનારાયણ હતી.
પ્લેનને ઉંચે ઉડવું હોય તો એણે આ ભૂમિનો ત્યાગ કરવો જ પડે, એ ત્યાગ કરે એમાં ભૂમિનું મહત્વ ઓછું નથી થઈ જતું કે નથી એનું અપમાન થતું. કોઈ સૈનિક સરહદે લડવાં જાય અને પોતાની પત્નીને સાથે ન લઈ જાય તો એમાં શું એની પત્નીનું અપમાન છે? કે શું એ ડરપોક છે કે એને ડર લાગે છે કે હું કદાચ એની રક્ષા નહી કરી શકું? એની પત્ની સાથે આવવા જીદ કરે અને એ ના પાડે ત્યારે એને ડરપોક કહેવો એ કેટલું મુર્ખામી ભર્યુ છે. અરે યુદ્ધમાં યાહોમ કરીને માતૃભુમિ કાજે લડવા જવામાં ડર શાનો. પણ યુદ્ધમાં લડવા જવું હોય તો તમારે ત્યાગ કરવો જ પડે. જો સરહદોને સાચવવાના યુદ્ધમાં પણ આટલો ત્યાગ અનિવાર્ય હોય તો આ તો સ્વભાવ-પ્રકૃતિ-વાસનાના વિકાર સામેનું યુદ્ધ છે, મન સામેનું યુદ્ધ છે એમાં તો કેટલો ત્યાગ જોઈએ? એમાં કોઈનું ય અપમાન નથી એક વ્યક્તિગત શિસ્તની બિનશરતી સંમતી છે. 1000થી પણ વધુ સંતોમાંના મોટાભાગનાને તો એની માતાએ જ પ્રેરણા આપી છે પરમાર્થ કાજે જીવવાની. એ જ મા કે જેને ખબર છે કે 9 મહીના પેટમા રાખ્યા પછી અવતરેલા મારા આ બાળને ભણીગણીને ગ્રેજ્યુએટ કરીને કમાવ દીકરો થયા પછી એવી જગ્યાએ મોકલું છુ કે જ્યાં ગયા પછી એ કોઈ દીવસ મારી સાથે વાત તો શું સામે પણ જોવાનો નથી. એ યુવાનના ત્યાગ કરતા એ માતાનો ત્યાગ કેટલો અજોડ હશે? જેને એટલી પણ ખબર છે કે સરહદે લડવા મોકલનાર માતાની જેમ એનો દીકરો જીવતો તો શુ મર્યા પછી એનો દેહ પણ પાછો નથી આવવાનો. અરે આ સંપ્રદાયમાં ભાઈઓ કરતાં વધારે સમર્પણ અને સેવા એ જ બહેનોની છે કે સમાજની નજરે જેમનું આ સંતો અપમાન કરે છે. જો ખરેખર એવું જ હોય તો શું આ સંપ્રદાય ફક્ત વાંઢાઓનો જ ન હોય? કેમ 60 % બહેનો છે? ફરીથી યાદ કરાવું, પધારો, આ સંસ્થાનો અભ્યાસ કરવા અને એના જ્ઞાનની, સમજણની ચોરી કરવા.
ધર્મ હીંદુ જ છે, સ્વામિનારાયણ એ કોઈ ધર્મ નથી, એક સંપ્રદાય છે. જે મોટા ભાગે ઉદ્ધવ સંપ્રદાય-વૈષ્ણવ સંપ્રદાયની ચાલી આવતી ધાર્મિક પરંપરાઓનો સ્વિકાર કરી, આધુનિક સમાજ સાથે એનો સુભગ સમન્વય કરી એક આદર્શ વિશાળ હદયવાળી માન્યતા મુજબ વિકસતો જાય છે. અને એટલે જ કદાચ આ યુગના યુગપુરુષ પ્રમુખસ્વામી મહારાજે આપેલું એ વાક્ય આજે પણ એટલું જ અમુલ્ય છે: “ પરસ્પર પ્રિતી પ્રસરાવે તે ધર્મ “ કેટલું સુંદર, સચોટ અને સાહજીક ! જો તમારો ધર્મ કે તમારા ભગવાન તમને બીજા ના ભગવાન કે ઈષ્ટદેવનું ખંડન કરતા શિખવાડે તો એ ધર્મ જ નથી. ધર્મ એ જ છે જે અંદરોઅંદર મૈત્રીભાવના વધારે, પ્રીતી વધારે, સૌહાર્દ વધારે. અને એટલે જ કદાચ આપણાં સૌ કરતા અનેક ગણાં બુદ્ધીશાળી, ચતુર, હોશિયાર એવા આપણાં સૌના લાડીલા અબ્દુલ કલામ સાહેબને એ જ પ્રમુખસ્વામી એમના જીવનના સર્વોત્કૃષ્ટ શિક્ષક લાગ્યાં. એક 6 ચોપડી ભણેલા, ગુજરાતી સિવાય કોઈ ભાષા ન સમજતા, લૌકીક દ્રષ્ટીએ સ્ત્રીઓને દુર રાખી એમનું અપમાન કરતા, ભગવાન સ્વામિનારાયણના કીશોરસ્વરુપ નિલકંઠવર્ણીની હોલીવુડના માંધાતાઓ મો માં આગળા નાખી જાય એવી વૈશ્વિક લેવલની આઈ-મેક્સ ફિલ્મ (નીલકંઠ કલ્યાણ યાત્રા – જેનો ખુબ જ સુંદર વિવેચન લેખ જયભાઈ વસાવડા વિસ્તાર પુર્વક લખી ચુક્યા છે એ) બનાવી અનેક વિદેશી-દેશી યુવાનમાં માતા-પિતાના આદર-સત્કાર, ત્યાગ સમર્પણની ભાવના જગાવનાર એ વ્યક્તિએ અંગ્રેજી જ સમજનારા બિન-હીંદુ, રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન (દેશના સર્વોત્કૃષ્ટ વિજ્ઞાનના જાણકાર) માણસને એવું તો શું શિખવાડી દીધું હશે, કહી દીધું હશે ? જયભાઈને જેમ મોરારી બાપુ લાગ્યાં એમ નરેન્દ્રભાઈ મોદીને કેમ પ્રમુખસ્વામી એમના પિતા લાગ્યાં હશે ? કારણકે બન્નેએ બન્નેને નજીકથી જોયા છે.

ભાઈ ભાઈનું ખુન કરતાં આજના જમાનામાં રામાયણમાંથી ભગવાન રામની જો સૌથી મોટી વાત હોય તો એ છે એમના કુટુંબની પારીવારીક એકતા. સગા કોઈ બાપ એના સૌથી મોટા અને સૌથી લાયક પરણીત દીકરાને જંગલમાં ઘકેલી દે, એની પત્ની એટલી જ સહજતાથી એ સ્વીકારીને 14 વર્ષ એની સાથે રહે અરે એ તો ઠીક, એનો નાનો ભાઈ (લક્ષ્મણ) કે જે હવે ગાદી પર કબજો જમાવી શકે એમ છે એ પણ એની સાથે જાય અને ચરમસીમા તો જુઓ કે રાજમહેલની સુખ સાહ્યબી છોડી એની પત્ની (ઉર્મિલા) પણ જંગલમાં એની સાથે આવવા જીદ કરે, હજુ બાકી હોય તેમ એનાથી પણ આગળ બાકી રહેલો એકમાત્ર ભાઈ જેના માટે આ આખુંય તંત્ર રચાયું એ (ભરત) પોતાનો ભાઈ ન આવે ત્યાં સુધી એની ચરણ પાદુકાં રાખી એ ગાદીની પુજા કરે, આધુનિક સમયમાં આવા સંબંધો ક્યાં જોવા મળે? આ એક એક પાત્રોની સમજણ ન ભૂતો ન ભવિષ્યતી છે જેમાંથી સીતાજીની સમજણની પ્રસંશા તો ખૂદ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કરી છે અને આ જ રામાયણની કથા દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સ્વામિનારાયણ ભક્તોને ભગવાન રામનો મહીમા અને પારીવારીક એકતાનો બોધપાઠ વારે તહેવારે આપતા જ રહે છે જે સાંભળીને જાણીને કેટલાંય કુટુંબો તુટતા બચ્યા છે, કેટલાયને કોર્ટ કચેરીના ધક્કા બચ્યાં છે. એ રામકથા કે જેમાં બીજાના ઈષ્ટદેવની ટીકા થાય છે, શિવજી અને સ્વામિનારાયણ ભગવાનના ભક્તોવચ્ચે સંઘર્ષ થાય એવા પ્રયત્નો થાય છે ત્યાં રામકથા સાંભળીને જો કોઈ કુટુંબો તુટતા બચ્યાં હોય, સંપ વધ્યો હોય, તો મને ખબર નથી એ માટે મને અવગત કરશો પણ કદાચ આ જ મંદીરનું કામ છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર સૌથી વધુ ભણેલો બુદ્ધીશાળી જ કરે અભણ નહી. એ વિદ્વાનને શિક્ષણ તો શાળા આપશે જ પણ સંસ્કાર મંદીર આપશે. ભાંગેલાને સાજા કરવા, કેંસરનો ઈલાજ કરવા હોસ્પિટલ જ કામ લાગશે પણ કેંસર જ ન થાય એ માટે વ્યસનમુક્ત કરવા, મનથી ભાંગેલાને બેઠો કરવા મંદીર જ કામ લાગશે. દૈહીક કચરાને સાફ કરવામાં શૌચાલયની આવશ્યકતા અવશ્ય છે પણ માનસિક કચરાને સાફ કરવાતો મંદીર અનિવાર્ય જ છે.
છેલ્લે રહી વાત સ્ટેન્ડ લઈને ખંડન સામે બોલવાની તો કાજલબેન ના, જો વારે વારે સળી કર્યા કરતા પાકીસ્તાનને પાઠ ભણાવવા ભારત સર્જીકલ સ્ટ્રાઈક કરે તો ભારતને ડર નથી કે ભારતના પાયા નબળા છે. પણ તમે વિચારો છો એ થી તદ્દન ઉલટું, એ એક સંદેશ છે કે સહનશીલતાની ચરમસીમા અને ક્ષમા કરવાનું અમારા લોહીમાં રેડનાર અમારા પુર્વજો એ પણ કહેતા ગયા છે કે વાત જ્યારે છેલ્લી કક્ષાએ પહોંચે ત્યારે ક્યારેક સામેવાળાને એ બતાવવું જરૂરી હોય છે કે તમારા પાયા કેટલા મજબૂત છે, એ તમારા આવા ક્ષુલ્લક આક્ષેપોથી હચમચે એવા નથી. અમારે શાંતિ, સર્વ પ્રત્યે પ્રેમ કરુણા જ જોઈએ છે પણ અંદરો અંદર ઝેર ઓકનાર સામે અમે લાલ આંખ પણ કરી શકીએ છીએ એ અમારા ખોખલા પાયાનો ડર નહી, અંદાજ પણ ન લગાવી શકાય એટલા મજબુત પાયાની પ્રતીતિ છે.

ઝેર તો આ મંદીના મારથી કંટાળીને નિરાશ થઈ ચૂકેલો માણસ પણ પી લે અને સમયસર હોસ્પિટલે પહોંચાડવામાં આવે તો એનો ઈલાજ થઈ જાય તો એ પણ પચાવી ગયો એવું કહેવાય એનાથી નીલકંઠ ન થવાય. શંકરના નીલકંઠ હોવા પાછળ ભલે આ એક વાત હોય પણ એથીય વિશેષ એ દેવોના દેવ મહાદેવ છે, અસુરોની વચ્ચે રહીને એ ડમરુ પણ વગાડીને તાંડવ પણ કરી શકે છે અને પોતાના પરિવારનો તન મનથી ત્યાગ કરીને પરમસમાધી મગ્ન પણ થઈ શકે છે, એ શિર્ષ કાપી પણ શકે છે અને પ્રથમ પુજ્યસુધી પહોચાડનારૂ શિર્ષ આપી પણ શકે છે, એ સંહારક પણ છે અને મા આદ્યશક્તિના ઉપાસક પણ. અને માટે જ એ નિલકંઠ છે. છતાં પણ આપણાં (હીંદુ ધર્મના તમામ મુખ્ય) શાસ્ત્રોમાં 5 અનાદી તત્વો (જીવ, ઈશ્વર, માયા, બ્રમ્હ અને પરબ્રમ્હ) ની વાત થઈ છે જેનો ઉદ્ ભવ પણ નથી, અંત પણ નથી એમાં બ્રમ્હા, વિષ્ણુ અને શિવજીને કઈ કોટીમાં ગણવામાં આવ્યાં છે, માયા પર કરનાર બ્રમ્હ અને પરબ્રમ્હ જેનો શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે ઉલ્લેખ કર્યો છે એ કોણ છે, એ જાણવા આધુનિક સમયના શ્રેષ્ઠ આચાર્ય તરીકે જેમનો ઉલ્લેખ સ્વામિનારાયણ વિષેનો જરા પણ અભ્યાસ કે ઓળખ ન હોય એવા કાશી અને ઉત્તરથી દક્ષિણભારતના પ્રખર વિદ્વાનો પંડીતો, વાઈસ ચાન્સેલરો, ઓક્સફર્ડ, હાર્વર્ડના તલસ્પર્શી અભ્યાસુ અને પ્રચંડ બુદ્ધીશાળીઓ કરી ચુક્યાં હોય, જેમને સન્માની ચૂક્યાં હોય અને આવા સમયમાં આવા વ્યક્તિ આ પૃથ્વી ઉપર સંભવી શકે? એવા આશ્ચર્યમાં અભિભૂત થઈ ચૂક્યાં હોય એવા પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્રારા પ્રસ્થાનત્રયી (શ્રીમદ્ ભાગવત ગીતા, ઉપનીષદો અને બ્રમ્હસુત્ર) ઉપર લખાલેયા ન ભૂતો ન ભવિષ્યતિ ભાષ્યનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે નીલકંઠવર્ણીની સાચી ઓળખ શું છે.

એટલો બધો સમય ન મળે તો દીલ્હી અક્ષરધામ જોઈને નીલકંઠ કલ્યાણ યાત્રા આઈમેક્સ ફિલ્મ જોઈ આવો.
એટલો પણ સમય ન મળે તો www.baps.org વેબસાઈટ પર જઈને નીલકંઠ વર્ણી પર બનેલી એનિમેશન ફિલ્મનો એકાદ ભાગ ઘેરબેઠા એક પણ રુપિયો ખર્ચ્યા વગર યુ-ટ્યુબમાં જોઈ લો.
અને જો સ્વાનુભવથી થાય એ જ સાચું એવું માનતા હો તો ક્યારેક મનમાં કોઈ શુભ સંકલ્પ લઈને નજીકના મંદીરમાં નીલકંઠવર્ણીનો જલાભિષેક કરી આવો. પ્રતિતી થશે કે ખરેખર એ કોણ હતા.
નિલકંઠવર્ણી મહારાજ એટલે જ ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન રામ અને શિવજી મને તમને સૌને સાચુ સમજવાની, પરમ સત્ય સુધી પહોચવાની અને એ માટેની પાત્રતા કેળવવાની શક્તિ નિતી અને પરિસ્થિતી આપે એ જ એમનાં ચરણોમાં પ્રાર્થના.

1 thought on “શું મોરારીબાપુ એ નીલકંઠ માટે જે કહ્યું તે તેમના પદ અને પ્રતિષ્ઠાને છાજે એવું છે ?”

  1. Great post but I was wanting to know if you could write a litte more on this subject?
    I’d be very grateful if you could elaborate
    a little bit further. Thanks!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *